૧૪ વર્ષના કિશોર લખને તોફાની દરિયામાં 36 કલાક સુધી જિંદગી અને મોત વચ્ચેની લડાઈ જીતી.
ગણેશોત્સવ બાદ દરિયામાં ગણેશ વિસર્જન કરાયું અને એ જ વિઘ્નહર્તાએ ગણેશ ભક્તને દરિયામાં ડૂબતા બચાવ્યા. વાત ફિલ્મી કહાની જેવી અને માનવામાં ન આવે તેવી પણ છે પણ નવસારીમાં આવો જ એક બનાવ બન્યો છે. સુરતના મોરાભાગળ વિસ્તારનો 14 વર્ષનો કિશોર લખન દરિયામાં ડૂબ્યો હતો. પરિવાર સાથે આવેલો લખન અંબાજી દર્શન બાદ ડુમ્મસના દરિયા કિનારે ન્હાવા પડ્યો હતો. અને ભરતી સમયે દરિયામાં તણાઈ ગયો હતો.
પરિવારની સામે જ લખન દરિયામાં તણાયો હતો. જે બાદ પરિવારે ધારાસભ્ય અને સ્થાનિક તંત્રને જાણ કરી હતી. અને તંત્રએ પણ કિશોર લખનને શોધ શરૂ કરી હતી. પરંતુ તેમાં કોઈ સફળતા મળી નહોતી, પરિવારને એમ જ માની લીધુ કે, હવે તેમના વ્હાલાસોયા લખનની ડેડબોડી પણ હાથ લાગે તો ભગવાનનો પાડ માનીએ… પણ કુદરતે કંઈક અલગ જ સ્ટોરી લખેલી હતી. દેવીપૂજક પરિવાર તેમના પુત્ર માટે જે માનતો હતો તેવુ કંઈ હતુ જ નહીં. તેમનો પુત્ર મધ દરિયામાં જીવતો હતો.
લખન દરિયામાં ગણપતિની મૂર્તિના લાકડાના સહારે 36 કલાક સુધી તરતો રહ્યો. ભુખ્યો, તરસ્યો લખન ત્રણ દિવસ સુધી દરિયામાં આ જ રીતે તરતો રહ્યો હતો. એ સમયે એક માછીમારોના મતે લખને તેમને જોઈને હાથ ઉંચો કરીને બુમો પાડી. અને તે બાદ માછીમારોએ લખનને દરિયામાંથી બોટમાં લાવ્યા હતા.