વલસાડમાં વડાપ્રધાનશ્રીના જન્મદિવસ પ્રસંગે બે દિવસીય યોગ શિબિર યોજાઈ.
૧ હજાર લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર અને યોગાભ્યાસ ઉત્સાહપૂર્વક કર્યો હતો.ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વલસાડના મોગરાવાડી ખાતે સ્થિત પોલીસ હેડ કવાટર્સમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બે દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ શિબિરનું ઉદઘાટન જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ અને ધારાસભ્ય ભરતભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
તા. ૧૭ સપ્ટેમ્બરે વડાપ્રધાનશ્રીના જન્મદિવસ પ્રસંગે પારડી સ્વાધ્યાય મંડળ અને મગોદ શાંતિ આશ્રમના ઋષિ કુમારોએ સ્વસ્તિ વાંચન કર્યું હતું. યોગ બોર્ડની બહેનો દ્વારા યોગ નૃત્યનો રંગારંગ કાર્યક્રમ રજૂ કર્યો હતો. વડાપ્રધાનશ્રી જ્યારે ધરમપુર અને કપરાડા તાલુકાના વિસ્તારોમાં સેવાના કાર્યો કરતા હતા ત્યારે તેમના સાથી મિત્ર ભગીરથભાઈ દેસાઈ તેમની સાથે જ રહેતા હતા. આ પ્રસંગે તેમણે નરેન્દ્રભાઈ મોદી સાથેના તે સમયના તેમના સંસ્મરણો વાગોળ્યા હતા.
આ પ્રસંગે વલસાડના ભીડભંજન મહાદેવ મંદિરના કર્તાહર્તા શિવજી મહારાજ અને જિલ્લા સંગઠન મહામંત્રી કમલેશ પટેલે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.આ પ્રસંગે યોગ બોર્ડના યોગકોચ, યોગ ટ્રેનર, યોગ સાધકો અને સ્વામિનારાયણ મંદિરના વિદ્યાર્થીઓ તેમજ પોલીસ ખાતાના જવાનો મળી અંદાજે ૧૦૦૦ જેટલા લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર અને યોગાભ્યાસ ઉત્સાહ પૂર્વક કર્યો હતો. બે દિવસીય યોગ શિબિરને સફળ બનાવવા માટે પોલીસ વિભાગ દ્વારા પણ જહેમત ઉઠાવવામાં આવી હતી.
માહિતી સ્રોત : માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૮ સપ્ટેમ્બર